‏ Matthew 14

1તે સમયે હેરોદ રાજાએ ઈસુની કીર્તિ સાંભળીને. 2પોતાના ચાકરોને કહ્યું કે, ‘આ તો યોહાન બાપ્તિસ્મા કરનાર છે; તે મૃત્યુમાંથી સજીવન થયો છે, એ માટે એવાં પરાક્રમી કામો તેનાથી થાય છે.’

3કેમ કે હેરોદે તેના ભાઈ ફિલિપની પત્ની હેરોદિયાને લીધે યોહાનને પકડ્યો હતો અને તેને બાંધીને જેલમાં નાખ્યો હતો. 4કેમ કે યોહાને તેને કહ્યું હતું કે, ‘તેને તારે રાખવી યોગ્ય નથી.’ 5તે તેને મારી નાખવા ઈચ્છતો હતો, પણ લોકોથી તે બીતો હતો, કેમકે તેઓ તેને પ્રબોધક ગણતા હતા.

6પણ હેરોદની વર્ષગાંઠ આવી, ત્યારે હેરોદિયાની દીકરીએ તેઓની આગળ નાચીને હેરોદને ખુશ કર્યો. 7ત્યારે તેણે સમ ખાઈને વચન આપ્યું કે, ‘જે કંઈ તું માગે તે હું તને આપીશ.’

8ત્યારે તેની માના શીખવ્યા પ્રમાણે તે બોલી કે, ‘યોહાન બાપ્તિસ્મા કરનારનું માથું મને થાળમાં આપો.’ 9હવે રાજા દિલગીર થયો, તોપણ પોતે સમ ખાધા હતા તેને લીધે તથા તેની સાથે જમવા બેઠેલાઓને લીધે, તેણે તે આપવાનો હુકમ કર્યો.

10તેણે [માણસોને] મોકલીને યોહાનનું માથું જેલમાં કપાવ્યું. 11પછી થાળમાં તેનું માથું લાવીને છોકરીને આપવામાં આવ્યું, તે પોતાની માની પાસે તે લઈ ગઈ. 12ત્યારે તેના શિષ્યોએ પાસે આવીને તેનો મૃતદેહ ઉઠાવી લઈ જઈને તેને દફનાવ્યું અને જઈને ઈસુને ખબર આપી.

13ત્યારે ઈસુ એ સાંભળીને ત્યાંથી હોડીમાં ઉજજડ જગ્યાએ એકાંત ગયા, લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેમની પાછળ ગયા. 14ઈસુએ નીકળીને ઘણા લોકોને જોયા, ત્યારે તેઓ પર તેમને દયા આવી; અને તેમણે તેઓમાંનાં માંદાંઓને સાજાં કર્યા.

15સાંજ પડી ત્યારે તેમના શિષ્યોએ તેમની પાસે આવીને કહ્યું કે, ‘આ જગ્યા ઉજજડ છે, હવે સમય થઈ ગયો છે, માટે લોકોને વિદાય કરો કે તેઓ ગામોમાં જઈને પોતાને સારુ ખાવાનું વેચાતું લે.’

16પણ ઈસુએ તેઓને કહ્યું કે, ‘તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને જમવાનું આપો.’ 17તેઓએ તેમને કહ્યું કે, ‘અહીં અમારી પાસે માત્ર પાંચ રોટલી અને બે માછલી છે.’ 18ત્યારે ઈસુએ કહ્યું કે, ‘તે અહીં મારી પાસે લાવો.’

19પછી તેમણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી. અને તે પાંચ રોટલી તથા બે માછલી લઈ આકાશ તરફ જોઈને આશીર્વાદ માગ્યો અને રોટલી ભાંગીને શિષ્યોને આપી અને શિષ્યોએ લોકોને [આપી]. 20તેઓ સર્વ જમીને ધરાયાં; પછી ભાણામાં વધેલા કકડાઓની બાર ટોપલી ભરાઈ. 21જેઓ જમ્યા તેઓ સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત આશરે પાંચ હજાર પુરુષ હતા.

22પછી તરત તેમણે શિષ્યોને આગ્રહથી હોડીમાં બેસાડ્યા અને તેઓને પોતાની આગળ પેલે પાર મોકલ્યા અને તેણે પોતે લોકોને વિદાય કર્યા. 23લોકોને વિદાય કર્યા પછી, ઈસુ પ્રાર્થના કરવાને પહાડ પર એકાંતમાં ગયા અને સાંજ પડી ત્યારે ઈસુ ત્યાં એકલા હતા. 24પણ તે સમયે હોડી સમુદ્ર મધ્યે મોજાંઓથી ડામાડોળ થતી હતી, કેમકે પવન સામો હતો.

25રાતના ચોથા પહોરે ઈસુ સમુદ્ર પર ચાલતા તેઓની પાસે આવ્યા. 26શિષ્યોએ તેમને સમુદ્ર પર ચાલતા જોયા, ત્યારે તેઓએ ગભરાઈને કહ્યું, એ તો કોઈ ભૂત છે અને બીકથી તેઓએ બૂમ પાડી. 27પણ તરત ઈસુએ તેઓને કહ્યું કે, ‘હિંમત રાખો, એ તો હું છું, ગભરાશો નહિ.’

28ત્યારે પિતરે તેમને ઉત્તર આપતાં કહ્યું કે, ‘પ્રભુ, એ જો તમે હો, તો મને આજ્ઞા આપો કે હું પાણી પર ચાલીને તમારી પાસે આવું.’ 29ઈસુએ કહ્યું કે ‘આવ.’ ત્યારે પિતર હોડી માંથી ઊતરીને ઈસુ પાસે જવાને પાણી પર ચાલવા લાગ્યો. 30પણ પવનને જોઈને તે ગભરાયો અને ડૂબવા લાગ્યો, તેથી તેણે બૂમ પાડતાં કહ્યું કે, ‘ઓ પ્રભુ, મને બચાવો.’

31ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને તેને કહ્યું કે, ‘અરે અલ્પવિશ્વાસી, તેં શંકા કેમ કરી?’ 32પછી તેઓ હોડીમાં ચઢ્યા એટલે તરત જ પવન બંધ પડ્યો. 33હોડીમાં જેઓ હતા તેઓએ તેમની સ્તુતિ કરતાં કહ્યું કે, ‘ખરેખર તમે ઈશ્વરના દીકરા છો.’

34તેઓ પાર ઊતરીને ગન્નેસારેત દેશમાં આવ્યા. 35જયારે તે જગ્યાના લોકોએ તેમને ઓળખ્યા, ત્યારે તેઓએ તે આખા દેશમાં ચોતરફ [માણસોને] મોકલીને બધા માંદાઓને તેમની પાસે લાવ્યા. તેઓએ ઈસુને વિનંતી કરી કે ‘કેવળ તમારાં વસ્ત્રોની કોરને જ તમે અમને અડકવા દો;’ અને જેટલા અડક્યા તેટલા સાજા થયા.

36

Copyright information for GujULB