Matthew 9
1ત્યારે હોડીમાં બેસીને ઈસુ પેલે પાર ગયા, ત્યાર પછી પોતાના નગરમાં આવ્યા. 2ત્યાં તે નગરમાં જુઓ, ખાટલે પડેલા એક પક્ષઘાતીને લોકો તેમની પાસે લાવ્યા, ઈસુએ તેઓનો વિશ્વાસ જોઇને પક્ષઘાતીને કહ્યું કે, ‘દીકરા, હિંમત રાખ, તારાં પાપ તને માફ થયા છે.’ 3ત્યારે શાસ્ત્રીઓમાંના કેટલાકે પોતાના મનમાં કહ્યું કે, ‘એ દુર્ભાષણ કરે છે.’ 4ઈસુએ તેઓના વિચાર જાણીને કહ્યું કે, ‘તમે તમારા મનમાં શા માટે દુષ્ટ વિચાર કરો છો? 5કેમ કે એ બેમાંનું વધારે સહેલું કયું છે, એમ કહેવું કે તારાં પાપ તને માફ થયાં છે, અથવા એમ કહેવું કે ઊઠીને ચાલ્યો જા?’ 6પણ માણસના દીકરાને પૃથ્વી પર પાપોની માફી આપવાનો અધિકાર છે, એ તમે જાણો માટે, (ત્યારે ઈસુ પક્ષઘાતીને કહે છે કે) ‘ઊઠ, તારો ખાટલો ઊંચકીને તારે ઘેર ચાલ્યો જા.’ 7અને તે ઊઠીને પોતાને ઘેર ગયો. 8તે જોઈને લોકો આશ્ચર્યચકિત થયા, અને ઈશ્વરે માણસોને એવો અધિકાર આપ્યો માટે તેઓએ તેમની સ્તુતિ કરી. 9ઈસુએ ત્યાંથી જતાં માથ્થી નામે એક માણસને જકાત લેવાની ચોકી પર બેઠેલો જોયો; તેમણે તેને કહ્યું કે, ‘તું મારી પાછળ આવ.’ ત્યારે તે ઊઠીને તેમની પાછળ ગયો. 10ત્યાર પછી એમ થયું કે, ઈસુ ઘરમાં જમવા બેઠા ત્યારે જુઓ, ઘણા દાણીઓ તથા પાપીઓ આવીને ઈસુની તથા તેમના શિષ્યોની સાથે બેઠા. 11ફરોશીઓએ એ જોઈને તેમના શિષ્યોને કહ્યું કે, ‘તમારો ઉપદેશક જકાત લેનારાઓની તથા પાપીઓની સાથે કેમ ખાય છે?’ 12ઈસુએ એ સાંભળીને તેઓને કહ્યું કે, ‘જેઓ સાજા છે તેઓને વૈદની અગત્ય નથી, પણ જેઓ માંદા છે તેઓને છે. 13પણ, “યજ્ઞ કરતાં હું દયા ચાહું છું,” એનો શો અર્થ છે, તે જઇને શીખો; કેમ કે ન્યાયીઓને નહિ, પણ પાપીઓને તેડવા હું આવ્યો છું.’ 14ત્યારે યોહાનના શિષ્યો તેમની પાસે આવીને કહે છે કે ‘અમે તથા ફરોશીઓ ઘણીવાર ઉપવાસ કરીએ છીએ, પણ તમારા શિષ્યો ઉપવાસ કરતા નથી. એનું કારણ શું?’ 15ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે, ‘જ્યાં સુધી વરરાજા જાનૈયાઓની સાથે છે, ત્યાં સુધી શું તેઓ શોક કરી શકે છે? પણ એવા દિવસો આવશે કે વરરાજા તેઓની પાસેથી લઈ લેવાશે, ત્યારે તેઓ ઉપવાસ કરશે. 16વળી નવા વસ્ત્રોનું થીંગડું જૂના વસ્ત્રોમાં કોઇ નથી દેતું, કેમ કે તે થીંગડાથી તે વસ્ત્રો ખેંચાય છે, અને તે વધારે ફાટી જાય છે. 17વળી નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં કોઈ ભરતું નથી ; જો ભરે તો મશકો ફાટી જાય છે, અને દ્રાક્ષારસ ઢોળાઈ જાય છે, મશકોનો નાશ થાય છે; પણ નવો દ્રાક્ષારસ નવી મશકોમાં ભરવામાં આવે છે, જેથી બન્નેનું રક્ષણ થાય છે.’ 18ઈસુ તેઓને આ વાત કહેતા હતા, ત્યારે જુઓ, એક અધિકારી આવીને તેમને પગે પડીને કહે છે કે, ‘મારી દીકરી હમણાં જ મૃત્યુ પામી છે, પણ તમે આવીને તમારો હાથ તેના પર મૂકો એટલે તે જીવતી થશે.’ 19ત્યારે ઈસુ ઊઠીને પોતાના શિષ્યો સહિત તેની પાછળ ગયા. 20ત્યારે જુઓ, એક સ્ત્રી જેને બાર વર્ષથી લોહીવા હતો, તે ઈસુની પાછળ આવીને તેમના વસ્ત્રોની કોરને અડકી; 21કેમ કે તેણે પોતાના મનમાં વિચાર્યું કે, ‘જો હું માત્ર તેમના વસ્ત્રોને અડકું તો હું સાજી થઇ જઈશ.’ 22ત્યારે ઈસુએ પાછા ફરીને તથા તેને જોઇને કહ્યું કે, ‘દીકરી, હિંમત રાખ, તારા વિશ્વાસે તને સાજી કરી છે;’ અને તે સ્ત્રી તે જ ઘડીથી સાજી થઈ. 23પછી જયારે ઈસુએ તે અધિકારીના ઘરમાં આવીને વાંસળી વગાડનારાઓને તથા લોકોને કકળાટ કરતા જોયા. 24ત્યારે તેમણે કહ્યું કે, ‘અહીંથી ચાલ્યા જાઓ; કેમ કે છોકરી મરી ગઈ નથી, પણ ઊંઘે છે.’ અને તેઓએ ઈસુની વાતને મજાકમાં કાઢી. 25લોકોને બહાર કાઢ્યા પછી, તેમણે અંદર જઈને તેનો હાથ પકડ્યો; અને તે છોકરી ઊઠી. 26તે વાતની ચર્ચા આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. 27ઈસુ ત્યાંથી જતા હતા, તેવામાં બે અંધજનો તેમની પાછળ જઈને બૂમ પાડતાં કહેતા કે, ‘ઓ દાઉદના પુત્ર, અમારા પર દયા કરો.’ 28ઈસુ ઘરમાં આવ્યા, ત્યારે તે અંધજનો તેમની પાસે આવ્યા, અને ઈસુ તેઓને કહે છે કે, ‘હું એ કરી શકું છું એવો તમને વિશ્વાસ છે શું?’ તેઓ તેમને કહે છે કે, ‘હા પ્રભુ.’ 29ત્યારે ઈસુ તેઓની આંખોને અડકીને કહે છે કે, ‘તમારા વિશ્વાસ પ્રમાણે તમને થાઓ.’ 30તે જ સમયે તેઓની આંખો ઊઘડી ગઈ. પછી ઈસુએ તેઓને કડક આજ્ઞા આપીને કહ્યું કે, ‘જો જો, કોઈ આ વિષે જાણે નહિ.’ 31પણ તેઓએ બહાર જઈને આખા દેશમાં તેમની કીર્તિ ફેલાવી. 32તેઓ બહાર ગયા ત્યારે જુઓ, અશુદ્ધ આત્મા વળગેલા એક મૂંગા માણસને તેઓ તેમની પાસે લાવ્યા. 33ભૂત કાઢવામાં આવ્યું ત્યારે તે મૂંગો માણસ બોલ્યો, અને લોકોએ આશ્ચર્ય પામીને કહ્યું કે, ‘ઇઝરાયલમાં આવું કદી જોવામાં આવ્યું નથી!’ 34પણ ફરોશીઓએ કહ્યું કે, ‘તે ભૂતોના સરદારની સહાયથી ભૂતોને કાઢે છે.’ 35ઈસુ તેઓનાં સભાસ્થાનોમાં બોધ કરતા, રાજ્યની સુવાર્તા પ્રગટ કરતા, દરેક [પ્રકારનો] રોગ તથા દરેક [પ્રકારની] બીમારી મટાડતા, સઘળાં નગરોમાં તથા ગામોમાં ફરતા ગયા. 36લોકોને જોઈને તેઓ પર તેમને દયા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન તથા વેરાઈ ગયેલા હતા. 37ત્યારે ઈસુ પોતાના શિષ્યોને કહે છે કે, ‘ફસલ પુષ્કળ છે ખરી, પણ મજૂરો થોડા છે. એ માટે તમે ફસલના માલિકને પ્રાર્થના કરો કે, તે પોતાની ફસલને સારુ મજૂરો મોકલે.’ 38
Copyright information for
GujULB